ભરૂચ સબ જેલના શૌચાલયમાંથી બિનવારસી મોબાઈલ મળ્યો: અમદાવાદની ઝડતી સ્કોડના આકસ્મિક ચેકિંગમાં પોલ ખુલી, બી ડિવિઝન પોલીસે ગુનો નોંધાયો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા સબ જેલમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડના આકસ્મિક ચેકિંગ દરમિયાન શૌચાલયના પોખરામાંથી એક બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. સુરક્ષામાં મોટી ચૂક સમાન આ ઘટનાને પગલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આકસ્મિક ચેકિંગમાં ખૂલી સુરક્ષાની પોલ
જેલની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે અમદાવાદની ખાસ સ્કોડ દ્વારા ભરૂચ સબ જેલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શૌચાલય વિસ્તારની તપાસ કરતા ત્યાં પોખરામાંથી નોકિયા કંપનીનો ૧ કીપેડ (નાનો) મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર પહોંચતા તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સીસીટીવી ફૂટેજ અને સ્ટાફની પૂછપરછ શરૂ
સમગ્ર મામલે ભરૂચ B ડિવિઝન પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યો અને તેનો ઉપયોગ કયા કેદીઓ કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. સત્ય બહાર લાવવા માટે પોલીસ દ્વારા જેલના CCTV ફૂટેજની ચકાસણી કરવાની સાથે કેદીઓ અને જેલ સ્ટાફની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.




