અંકલેશ્વર: જીઆઇડીસી બસ ડેપો પરથી ૯.૮૯૯ કિલો ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ
“NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના મુજબ, એસ.ઓ.જી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. બસ ડેપો પરથી એક ઇસમને મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, એસ.ઓ.જી. ટીમે બસ ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન, બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલ નામના એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. તેની તલાશી લેતા, તેની પાસેથી ૯.૮૯૯ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત રૂ. ૯૮,૦૦૦ છે. આ ઉપરાંત, તેની પાસેથી રૂ. ૨,૦૦૦ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૧,૦૦,૯૯૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની ધરપકડ કરીને તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કાર્યવાહી ભરૂચ જિલ્લામાં નશાના દૂષણને રોકવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એસ.ઓ.જી. ટીમના પો.ઇન્સ. એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.




