બેંક KYC અપડેટના બહાને છેતરનાર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો: ‘APK’ ફાઇલ મોકલી, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી લોકોના બેંક ખાતા સાફ કરી દેતો, ભરૂચ સાયબર ક્રાઇમે ઝારખંડથી પકડી લીધો
સમીર પટેલ, ભરૂચ
બેંક એકાઉન્ટના KYC ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોને છેતરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડના જામતાડા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ ગેંગ ‘.APK’ ફાઇલ મોકલી લોકોના મોબાઇલમાં ખતરનાક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી તેમની બેંક માહિતી મેળવી રૂપિયા ઉપાડી લેતી હતી. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો અને આઈટી એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી રાજેશ મંડલ (ઉંમર 24 વર્ષ, રહે. દુધાની ગામ, જામતાડા, ઝારખંડ) હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ સાયબર ક્રાઇમ ટીમે જામતાડા ખાતે રેડ કરી હતી. જ્યાથી રાજેશ મંડલની 5 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરી હતી. જામતાડા કોર્ટ પાસેથી ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો. હાલ તે 13 મી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ તપાસ મુજબ, આરોપી રાજેશ મંડલ અગાઉ પણ મધ્યપ્રદેશ અને ઝારખંડ રાજ્યમાં સાયબર છેતરપિંડીના અનેક ગુનાઓમાં વૉન્ટેડ હતો. તે અને તેના સાથીઓ “એક્સીસ બેંક પાન કાર્ડ અપડેટ એપિકે,” “SBI કેવાયસી,“PM-કિસાન યોજના”જેવી ખોટી એપ્લિકેશન બનાવી વોટ્સએપ મારફતે લોકો સુધી પહોંચાડતા હતા. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવ્યા બાદ લોકોની બેંક માહિતી મેળવી તેમની જાણ બહાર નેટબેંકિંગ પાસવર્ડ જનરેટ કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી કુલ 5 મોબાઇલ ફોન, બેંક પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા છે. તપાસમાં ખુલ્યું છે કે, આરોપી દ્વારા વપરાયેલા એક મોબાઇલ ડિવાઇસ પરથી ખાનગી કંપનીના કુલ 1980 મોબાઇલ નંબર સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, તેમજ તેની સામે દેશભરમાં 2018 જેટલા કેસ NCCRP (1930) હેલ્પલાઇન પોર્ટલ પર નોંધાયેલા છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ હાલમાં આ ગેંગના અન્ય સાથીદારોની શોધખોળ કરી રહી છે તથા દેશભરના વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંકલન કરી વધુ માહિતી મેળવી રહી છે. આ અંગે ભરૂચ જિલ્લા એસપી અક્ષય રાજે જિલ્લા વાસીઓને આવી એપને ઇન્સ્ટોલ નહી કરવા અને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે.