ભરૂચ: અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.10.19 લાખની કિંમતનો ગાંજાનો 20 કિલો જથ્થો જપ્ત કર્યો

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા ઓમનગરના એક રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. 10.19 લાખની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલા ઓમનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન, મકાનમાંથી 20 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 10.19 લાખ આંકવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે આ ગાંજાની નાની-નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી જ્યોતિ મંડલ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગાંજાનો આ જથ્થો મૂળ બિહારના મિથુન મંડલ દ્વારા મોકલવામાં આવતો હતો. મિથુન મંડલ હાલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે જપ્ત કરાયેલા ગાંજા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.





