ભરૂચ બાર એસોસિએશન ચૂંટણી: 876 મતદારોએ મતદાન કર્યું, ત્રણ પેનલ વચ્ચે કાંટેની ટક્કર


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી આજે કોર્ટ બિલ્ડિંગ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. આ વર્ષે પ્રથમ વખત સહકાર, પરિવર્તન અને સમરસતા એમ ત્રણ પેનલ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે, જેને કારણે વકીલ વર્ગમાં વિશેષ ઉત્સાહ છે. અગાઉ બાર એસોસિએશનની ચૂંટણી મુખ્યત્વે સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે જ થતી હતી. જોકે, આ વર્ષે ભાજપના લીગલ સેલના એક આગેવાને સમરસતા પેનલ બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતરતા રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે. ચર્ચા મુજબ, પરિવર્તન અને સમરસતા બંને પેનલ ભાજપના આગેવાનો સાથે સંકળાયેલી છે, જ્યારે સહકાર પેનલ પોતાની અલગ ઓળખ સાથે મેદાનમાં છે. ભરૂચ બાર એસોસિએશનમાં કુલ 876 નોંધાયેલા મતદારો છે. મતદાન પ્રક્રિયા સવારે 9.15 વાગ્યાથી શરૂ થઈને બપોરે 3.15 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ તરત જ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ કમિટી સભ્યોનું ભાવિ નક્કી થશે. મતદારોએ પ્રમુખ પદ માટે 3માંથી 1, ઉપપ્રમુખ માટે 4માંથી 1, સેક્રેટરી માટે 6માંથી 2 અને ટ્રેઝરર માટે 4માંથી 1 ઉમેદવારને મત આપવાનો છે. આ ઉપરાંત, પુરુષ કમિટી સભ્યો માટે 24માંથી 8 અને મહિલા કમિટી સભ્યો માટે 9માંથી 3 ઉમેદવારને મત આપવાના રહેશે. આમ, દરેક મતદારે કુલ 16 મત આપવાના છે. ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ મતગણતરી પૂર્ણ થયા બાદ બપોર પછી જાહેર કરવામાં આવશે.



