BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં વધતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મૂકવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જેના અનુસંધાને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી

ગત તા.29 મી જાન્યુઆરી 2026 ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અબ્દુલ મહંમદ પટેલ (રહે. કુરચન ગામ,તા. આમોદ)ને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી વધુ તપાસ માટે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. આ તપાસમાં પીઆઈ આર.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપી પોલીસ કાર્યવાહીથી વાકેફ હોવાથી સહકાર આપતો ન હતો, જેથી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરી કબ્જે કરાયેલ બાઇકોના એન્જિન અને ચેસીસ નંબરમાં છેડછાડ થયેલી હોવાનું સામે આવતા પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો.જે બાદ તેણે 10 બાઈક ચોરીની કબૂલાત કરી હતી.

આરોપી જુના અને બિનવપરાશ બાઇકો ભંગારના ભાવે ખરીદી તેમની આર.સી. બુક મેળવી લેતો. બાદમાં તે બાઇકો ભંગારમાં વેચી, એ જ મોડલના અન્ય બાઇકો ચોરી કરતો. પાલેજ ખાતે ટ્રોલી બનાવતા જહીરશા મહેબુબ દિવાનની મદદથી ચોરીના બાઇકોમાં જુના બાઇકોના ચેસીસ અને એન્જિન નંબર છપાવી, નંબર પ્લેટ લગાવી ઉંચી કિંમતે વેચાણ કરતો હતો.પોલીસે આરોપી અબ્દુલ મહંમદ પટેલ તથા જહીરશા મહેબુબભાઈ દિવાનને ઝડપી પાડી વિવિધ કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે હીરો સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ, CD ડિલક્સ તેમજ બજાજ બોક્સર અને CT-100 સહિત કુલ 10 બાઇકો કબ્જે કરી છે, જે ભરૂચ, પાલેજ, આમોદ અને નવસારી વિસ્તારમાં વેચાયેલી હોવાની કબૂલાત મળી છે.

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી, મઢુલી સર્કલ, મિપ્કો ચોકડી અને જંબુસર બાયપાસ વિસ્તારમાંથી જેમની બાઇક ચોરાઈ હોય તેઓ જરૂરી પુરાવા સાથે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની બાઇકની ઓળખ કરવા અપીલ કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!