ભરૂચ CNI ચર્ચ દ્વારા નાતાલ પૂર્વે સેવાકીય ઉજવણી: નિરાધારોને ફ્રૂટ વિતરણ કરી ઈસુના પ્રેમ-સેવાનો સંદેશ જીવંત કર્યો

સમીર પટેલ, ભરૂચ
સમગ્ર વિશ્વને અખૂટ પ્રેમ, કરુણા અને માનવસેવાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી સમાજમાં ઉત્સાહનું માહોલ છવાયેલું છે. નાતાલ પર્વને હવે માત્ર બે દિવસ બાકી હોય ત્યારે ભરૂચ સીએનઆઇ ચર્ચ મંડળીના સભ્યોએ ઉત્સવની ઉજવણીને દેખાવ કરતાં સેવા સાથે જોડીને ઈસુના દૃષ્ટાંતને સાકાર કર્યો છે.
ભરૂચ સીએનઆઇ ચર્ચના રૅવ. કિશન વસાવાની આગેવાનીમાં ચર્ચ કમિટીના સભ્યોએ શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા ગરીબ,નિરાધાર અને અશક્ત લોકો માટે ફ્રૂટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજ્યો હતો.આ સમિતિ વર્ષોથી નિરાધાર માનવસેવામાં અગ્રેસર રહી છે.
ઈસુ ખ્રિસ્તના સેવાના દૃષ્ટાંતને જીવંત કરતા ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલની સાચી ભાવનાને ઉજાગર કરી હતી.ફ્રૂટ વિતરણ માત્ર દાન નહીં પરંતુ માનવતાની સાથે આત્મીયતા અને પ્રેમનો સંદેશ બની રહ્યો હતો. આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈઓ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આશ્રિત લોકોની સેવાકીય પ્રવૃત્તિને પણ સીએનઆઇ ચર્ચના સભ્યોએ બિરદાવી હતી.
આ સેવાભાવનાપૂર્ણ ઉજવણી એ સાબિત કરે છે કે નાતાલ પર્વ માત્ર સજાવટ અને આનંદનો તહેવાર નથી,પરંતુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ, કરુણા અને માનવસેવાના સંદેશને સમાજમાં જીવંત રાખવાનો પાવન અવસર છે.




