BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: ૨૧ વર્ષથી નાસતો ફરતો ઘરફોડ ચોરીનો રીઢો આરોપી ખેડા નજીકથી ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ શહેરની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી પોલીસની પકડથી દૂર રહેલો રીઢો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ આરોપીને ખેડા જિલ્લાના રઢુ ગામ નજીક આવેલી મુરલીધર હોટલ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલો આરોપી કમલેશ ઉર્ફે કમલા ગોરચંદ ઉર્ફે ગોરખા ડામોર છે. જેનું મૂળ રહેઠાણ ભાંડાખેડા, મંગા ફળીયુ, તા. રાણાપુર, જી. ઝાબુઆ (મધ્યપ્રદેશ) છે. અને તે સાજડીયાણી, મેઘાવડ, તા. જામકંડોરણા, જી. રાજકોટ ખાતે પણ રહેતો હતો. ભરૂચ શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશન અને ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ચાર ઘરફોડ ચોરીના ગુનાઓમાં તે વોન્ટેડ હતો. આટલા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવો એ પેરોલ ફર્લો સ્કવોડ માટે મોટી સફળતા ગણાય છે. પો. સબ.ઈન્સ. આર.એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, ૨૧ વર્ષથી વોન્ટેડ આ ગુનેગાર કમલેશ ડામોર રાજકોટ ખાતે છે. બાતમીના આધારે સ્કવોડની ટીમ જેમાં ભોપાભાઇ ભૂંડિયા, સરફરાજ ગોહીલ, અજયસિંહ પરમાર, શકિતસિંહ ગોહીલ, અનિલભાઇ કટારા અને રાકેશભાઇ કંડોલીયા સામેલ હતા. જે ટીમ રાજકોટ ખાતે તપાસ માટે પહોંચી હતી. જોકે ત્યાં વધુ માહિતી મળતાં ટીમે તુરંત જ ખેડા તરફ પ્રયાણ કર્યું હતું. અને રઢુ ગામ નજીકની મુરલીધર હોટલ પરથી આરોપીને દબોચી લીધો હતો. પેરોલ ફર્લો સ્કવોડે કાયદેસરની કાર્યવાહી માટે આરોપી કમલેશ ઉર્ફે કમલા ડામોરને ભરૂચ શહેર એ.ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. ૨૧ વર્ષ બાદ આરોપીની ધરપકડ થતાં ભરૂચ પોલીસને મોટી રાહત મળી છે અને અન્ય વણઉકેલાયેલા ગુનાઓમાં પણ કડી મળવાની સંભાવના છે.

Back to top button
error: Content is protected !!