ભરૂચ LCB પોલીસની મોટી કાર્યવાહી:ઝઘડિયાના નાના સાંજા ગામમાંથી 5.74 લાખનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ફરાર

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ LCB પોલીસે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામમાં મોટી કાર્યવાહી કરી છે. અનુપમનગર-02 સોસાયટીના બંધ મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. આ દરોડામાં કુલ 5.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
LCB પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી કે નાના સાંજા ગામના રહેવાસી અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઇ વસાવાએ અનુપમનગર-02માં મકાન નંબર એ-01/14માં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે.
પોલીસે તરત જ રેઇડ કરી મકાનની તપાસ કરી. તપાસ દરમિયાન પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કંપનીની સીલબંધ બોટલો અને બીયરના ટીન મળી આવ્યા. કુલ 3,338 નંગ દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઇ વસાવા ફરાર થઈ ગયો છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.




