ભરૂચ LCB એ 44.12 લાખનો દારૂ ઝડપ્યો: નબીપુર હાઇવે પરથી એક આરોપીની ધરપકડ, ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹44.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રીલીફ હોટલ પાસેથી એક આઇસર ટ્રક (MH-14-LX-6769) માંથી પ્લાસ્ટિકના કેરેટોમાં છુપાવેલી 12,312 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે એક આરોપી સુનીલ મુરલીધર નવરેની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા અને હાઇવે પર ચુસ્ત પેટ્રોલિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાએ ટીમો ગોઠવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વિશ્વસનીય બાતમીના આધારે પો.સ.ઈ. ડી.એ. તુવરની ટીમે નબીપુર હાઇવે નજીક વોચ ગોઠવી હતી.તપાસ દરમિયાન, ટ્રકમાંથી ₹34,02,000ની કિંમતની 12,312 વિદેશી દારૂની બોટલ/ટીન,₹10,000નો એક મોબાઇલ ફોન અને ₹10,00,000ની આઇસર ટ્રક સહિત કુલ ₹44,12,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંજય જોરાભાઈ દેસાઈ (રહે. વેડ રોડ, સુરત), અનીકેત પાટીલ (રહે. નાસિક) અને ટ્રક ડ્રાઈવર (નામ અજાણ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.




