ભરૂચ LCBએ ₹5.26 લાખનો દારૂ ઝડપ્યો: શુકલતીર્થ ગામમાંથી બુટલેગર ઝડપાયો, એક વોન્ટેડ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ LCB પોલીસે શુકલતીર્થ ગામની સીમમાંથી ₹5.26 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે. LCB પી.આઈ. એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ભરૂચ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, શુકલતીર્થ ગામના બુટલેગર કાર્તિકકુમાર સુરેશ પટેલ દ્વારા ગામની સીમમાં આવેલા એક મિત્રના ખેતરના મકાન પાછળ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે અને તેની સગેવગે કરવામાં આવી રહી છે. બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કાર્તિક પટેલ પ્લાસ્ટિકની થેલીઓમાં વિદેશી દારૂની સગેવગે કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સ્થળ પરથી કુલ 1764 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹5.26 લાખ થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹6.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે કાર્તિકકુમાર સુરેશ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ વિદેશી દારૂનો જથ્થો કોસંબા વિસ્તારના બુટલેગર જીજ્ઞેશ ઉર્ફે જીગો અવધૂત પટેલ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. પોલીસે જીજ્ઞેશને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની ધરપકડ માટે સઘન શોધખોળ શરૂ કરી છે.




