ભરૂચ પોલીસની ૩૦ વર્ષ જૂની સફળતા, ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ દાયકાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર એ.ડિવિઝન પોલીસે ૩૦ વર્ષ જૂના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીને મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના છાયણ ગામેથી પકડી પાડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે એ.ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા અને પો. સબ. ઇન્સ. એ.વી. શિયાળીયાની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, ૧૯૯૫ની સાલમાં શહેરના નારીકેન્દ્રના સરકારી ક્વાર્ટર્સમાં અંદાજે ૧૮ હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધાયો હતો, જેનો આરોપી ફરાર હતો. સર્વેલન્સ ટીમ દ્વારા મળેલી ચોક્કસ માહિતી મુજબ, આ ગુનાનો આરોપી દિતિયા બદિયા ચારેલ (ઉંમર ૬૫) મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના છાયણ ગામમાં પોતાના ઘરે હાજર છે. માહિતીના આધારે એ.ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડીને આરોપી દિતિયા બદિયા ચારેલને ઝડપી પાડ્યો હતો. ૩૦ વર્ષ બાદ પકડાયેલા આ આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ લાવવામાં આવ્યો છે. ભરૂચ પોલીસની આ કામગીરીને કારણે ૩૦ વર્ષ જૂના કેસનો ભેદ ઉકેલાયો છે.