BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: શિક્ષકોની વેદનાને વાચા આપવા ભરૂચ પ્રાથમિક શિક્ષક સંઘે PMને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધવામાં આવ્યું છે, જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે. સંઘે જણાવ્યું કે, શિક્ષકોને ચૂંટણીના ચાર દિવસ સિવાયની તમામ બિન-શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ. તેનાથી તેઓ બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકશે અને દેશના ભવિષ્યને ઘડી શકશે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 2010 પહેલાના શિક્ષકો માટે ફરજિયાત TET પરીક્ષા પાસ કરવાના નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાઈ છે, જેથી આ નિર્ણય પર પુનર્વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવા અને 01/04/2005 પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા માટે આગ્રહ કરાયો છે. આ સાથે જ, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બઢતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. અન્ય મુખ્ય મુદ્દાઓમાં BLOની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા, સ્વચ્છતા ગ્રાન્ટ વધારીને 5,000 કરવા, બદલીના જટિલ નિયમોમાં સુધારો કરીને શિક્ષકોને વતન નજીક જવાની તક આપવા અને મધ્યાહન ભોજન યોજનામાં મેનુ સુધારવા સહિતના પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રજૂઆતનો હેતુ શિક્ષકોના કાર્યબોજને ઘટાડીને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાનો છે, જેનાથી બાળકોનું કલ્યાણ થઈ શકે.

Back to top button
error: Content is protected !!