GUJARATNAVSARI

Navsari:મુશળધાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાતા નવસારી તંત્ર એલર્ટ બની જિલ્લાનાં 89 રસ્તાઓ બંધ કરાવ્યાં

*નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ-૨૩૩ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક: ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો

સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે.
નવસારી જિલ્લાની વાત કરીએ તો, નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ આજરોજ તા.૨૪-૦૭-૨૦૨૪ સાંજના  ૦૬ વાગ્યા સુધી  અંબિકા નદી ૨૧.૯૭ ફુટ પાણીની સપાટી,  પૂર્ણા નદી ૨૨ ફૂટ તથા કાવેરી નદી ૧૩.૫૦ ફૂટની સપાટીએ વહી રહી છે. તથા જુજ ડેમ  ૧૬૧.૮૫ ફૂટ તથા કેલિયા ડેમ ૧૧૦.૭૫ ફૂટ પાણી ભરાયેલ છે. નવસારી જિલ્લામાં આજે સાંજના ૦૬ વાગે સુધીમાં નવસારી તાલુકામાં ૬૦ મીમી, જલાલપોર તાલુકામાં ૪૧ મીમી, ગણદેવી તાલુકામાં ૪૦ મીમી, ચીખલી તાલુકામાં ૫૭ મીમી, વાંસદા તાલુકામાં ૬૩ મીમી અને ખેરગામ તાલુકામાં ૮૫ મીમી વરસાદ મળી કુલ-કુલ-૫૮ મીમી વરસાદ નોધાયેલ છે.

નવસારી જિલ્લામાં વરસાદની હાલની પરિસ્થિતિ પર  બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. નદીઓના જળસ્તર વધતા અમુક અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર, ગણદેવી તથા જલાલપોર તાલુકામાં કુલ ૨૩૩ વ્યક્તિઓને આશ્રયસ્થાનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વ્રારા સ્થાળાંતર કરેલ લોકોને સુવિધા સભર રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળાંતરિત કરેલા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અવ્યવસ્થા ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે કામ રહી રહ્યું છે.

*બોક્ષ-*
*નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ-૨૩૩ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા*

નવસારી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતીને પહોચી વળવા માટે જીલ્લામાં કુલ ૪૫૪ આશ્રયસ્થાન નક્કી કરવામાં આવેલ છે જેમાં અંદાજીત ૪૬,૨૫૬ લોકોને આકસ્મિક સંજગોમા સ્થળાંતરિત કરી શકાશે. હાલની પરિસ્થિતીએ નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ કુલ-૨૩૩ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સ્થળાંતરીત નાગરિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ નવસારી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત જલાલપોરના કૃષ્ણપુર ગામ ખાતે સાયક્લોન સેન્ટર પર SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખી આશ્રયસ્થાન પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

*બોક્ષ-*
*બંધ થયેલા રસ્તાઓની વિગત*
આજરોજ પડેલ વરસાદના કારણે સાંજના ૦૫ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં કુલ ૬ નેશનલ હાઈવે રસ્તા તથા જિલ્લાના પંચાયતના નાના મોટા ૮૩ રસ્તાઓ મળી કુલ-૮૯ રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. પાણીનું સ્તર નીચે જતા રસ્તાઓ પુન:શરૂ કરવામાં આવશે.

બંધ થયેલા પૈકિ નવસારી તાલુકાના ૧૧ રસ્તા, જલાલપોર તાલુકાના ૦૮ રસ્તા, ગણદેવી તાલુકાના ૧૭ રસ્તા, ચિખલી તાલુકાના ૨૪ અને ખેરગામ તાલુકાના ૦૬, જ્યારે વાંસદા તાલુકાના ૧૭ મળી કુલ-૮૩ રસ્તાઓ બંધ થયા છે. આ રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાય છે. આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર ૦૨૬૩૭-૨૩૩૦૦૨/૨૫૯૪૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

અત્રે નોંધનિય છે કે, નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદથી પ્રભાવિત લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવા માટે જિલ્લા પ્રશાસન વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને દિવસ રાત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!