ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં વિપક્ષે સ્વછતા સર્વેક્ષણ,રોડ,રસ્તા અને વોર્ડ નંબર 6 ના હાઈમાસ્ક અને આઇકોનિક માર્ગ પરના લાઈટો મુદ્દે તું તું મેં મેં ના દૃશ્યો સર્જાયા હતા


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં વિપક્ષે સ્વછતા સર્વેક્ષણ,રોડ,રસ્તા અને વોર્ડ નંબર 6 ના હાઈમાસ્ક અને આઇકોનિક માર્ગ પરના લાઈટો મુદ્દે તું તું મેં મેં ના દૃશ્યો સર્જાયા હતા. જ્યારે બહુમતીના જોરે શાસક પક્ષે 29 એજન્ડાઓને સર્વાનુમતે મંજૂર કર્યા હતા.
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં પ્રથમ સ્વછતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાનો ક્રમાંક નીચે આવતા બંને પક્ષો વચ્ચે ચકમક ઝરી હતી.જેમાં મુખ્ય અધિકારીએ સર્વેક્ષણના અલગ અલગ પ્રકારના માર્ક મુજબ ક્રમાંક આપવામાં આવે છે તે રીતે સમજણ અપાતા વિપક્ષના સભ્યો શાંત થયા હતા.
જ્યારે આઇકોનિક રોડ અને હાઈમાસ્ટ પોલના મુદ્દે વિપક્ષે સ્પષ્ટીકરણ મુજબ કામ ન થવાના આક્ષેપો કરી તપાસ સમિતિની માંગણી રજુ કરતા ફરી વિવાદ થયો હતો.વિપક્ષે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.
જોકે વિવાદ વચ્ચે શાસક પક્ષે એજન્ડાના તમામ મુદ્દાઓ બહુમતીના આધાર પર મંજૂર કરી અને રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરી સભાનું સમાપન કર્યું.જેના પગલે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે શાસકો રાષ્ટ્રગીતની આડમાં ચર્ચાથી ભાગી ગયા હતા.
કોંગ્રેસના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, “ભાજપના સભ્યો ભ્રષ્ટાચારથી બચવા માટે રાષ્ટ્રગીત પાછળ છુપાઈ ગયા છે. અમે 258 એક્ટ હેઠળ રિજિયનલ કમિશનરને ફરિયાદ કરીશું.”
તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે, “શહેરની સમસ્યાઓ અંગે અમારી લેખિત રજૂઆતને ચર્ચા માટે મંજૂરી આપી હતી, પરંતુ ભ્રષ્ટાચારની વાત આવતા સભા અધૂરી રીતે પૂરું કરી દેવામાં આવી.”
શાસક પક્ષે આ તમામ આક્ષેપોને નકાર્યા હતા.પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું કે,”ચૂંટણી નજીક હોવાથી વિપક્ષ ખોટા આક્ષેપો કરી પૌરપ્રશાસનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગેરરીતિ જણાશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.”
આ તોફાની સભામાં કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ, અર્પણ જોશી, રાજશેખર દેશવર સહિતના સભ્યો હાજર રહ્યા હતા. વિપક્ષ તરફથી સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા અને સલીમ અમદાવાદી ચર્ચામાં ભાગ લીધો હતો.






