BHARUCHNETRANG

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગમાં ભવ્ય “આદિવાસી ગૌરવ સંમેલન” યોજાયું…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આદિવાસી ગૌરવ સંમેલન’નું ભવ્ય આયોજન થયું હતું. હજારોની જનમેદનીને સંબોધતા હર્ષભાઈ સંઘવીએ આદિવાસી સમાજના શૌર્ય અને બલિદાનને સ્મરણ કરીને બિરદાવ્યું હતું.

 

આદિવાસી સમાજના શૌર્ય અને વિરાસતને યાદ કરીને શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભૃગુઋષિની પવિત્ર ભૂમિ ભરૂચ અને આદિવાસી સમાજનો વારસો વર્ષો જૂનો છે. ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસી ભાઈઓએ ક્યારેય વિદેશી તાકાતો સામે માથું ઝુકાવ્યું નથી. સોમનાથની રક્ષા કાજે વેગડા ભીલનું બલિદાન હોય કે ૧૮૫૭નો વિપ્લવ, આદિવાસી રાજાઓ અને વીરોએ હંમેશા માતૃભૂમિની રક્ષા કરી છે. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં ૧૫૦૦ ભીલોની શહાદત આ માટીમાં આજે પણ શૌર્યની મહેક ફેલાવે છે. તેઓએ કહ્યું કે આદિવાસી સમાજની આ ગૌરવ ગાથા પેઢી દર પેઢી સુધી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક મહત્વના નિર્ણયો લીધા છે.

 

નાયબ મુખ્યમંત્રીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “વર્ષો સુધી કોંગ્રેસે આદિવાસી સમાજને માત્ર ‘વોટ બેન્ક’ તરીકે વાપર્યો છે. આઝાદી બાદ કોંગ્રેસે અનેક વર્ષો સુધી ગરીબો, દલિતો અને વંચિતોને માત્ર અન્યાય કરવાનું કામ કર્યું, સમાજના આ વર્ગોની ઉન્નતિ માટે ક્યારેય ન વિચાર્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના પ્રત્યેક વંચિત અને ગરીબ માનવીના કલ્યાણ માટે યજ્ઞ આદર્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં સમાજના ભાગલા પાડનારા તત્વોને આદિવાસીઓની ઉન્નતિ અને વિકાસ પચતા નથી.” તેમણે ઉમેર્યું કે ‘આપ’ અને કોંગ્રેસ જેવા પક્ષોને ડર છે કે જો આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ આવશે, તો તેમની ખોટી માહિતી ફેલાવવાની દુકાનો બંધ થઈ જશે. તેઓએ કહ્યું કે ગુજરાતની જનતાએ આ તકસાધુ લોકોને સારી રીતે ઓળખી લીધા છે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ પછી આવેલા પરિવર્તનની વાત કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના ઉત્થાન માટે સંકલ્પ લીધો અને તેના પરિણામે આજે અંબાજી થી ઉમરગામ સુધી વિકાસની હારમાળા સર્જાઈ, સુવર્ણયુગની શરૂઆત થઈ. વનબંધુ કલ્યાણ યોજના, પીએમ આવાસ, હર ઘર શૌચાલય, નલ સે જલ અને ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ની સહાય જેવી યોજનાઓ સીધી લાભાર્થીઓ સુધી પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક તાલુકામાં આધુનિક શાળાઓ અને બિરસા મુંડા લાયબ્રેરી બનાવવાનો સંકલ્પ લેવાયો છે. આદિવાસી નેતાઓને સન્માન આપતા ભાજપાએ શ્રી ગણપતભાઈ વસાવાને વિધાનસભાના અધ્યક્ષ પદ સુધી પહોંચાડ્યા અને આજે પણ ચાર ચાર મંત્રી આદિવાસી સમાજના છે જે સમગ્ર આદિવાસી સમાજની ચિંતા કરીને તેમના પ્રશ્નોના સમાધાન અને સમાજના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યા છે.

 

આ સંમેલનમાં ઝઘડિયાના ‘આપ’ના પૂર્વ ઉમેદવાર ઉર્મિલાબેન, આપ ઝઘડીયા વિધાનસભાના પ્રભારી અનંત પંચાલ, વાલિયા તાલુકા આપ પ્રમુખ કિરણ વસાવા, વાલિયા તાલુકા આપ પ્રભારી અરુણ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ તકે હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીની આદિવાસી વિરોધી માનસિકતાને કારણે આગેવાનો અને કાર્યકરો હવે આપના કાર્યાલયને તાળાં મારીને કોઈ પણ હોદ્દાની લાલચ વિના વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે.

 

હર્ષભાઈ સંઘવીએ આદિવાસી સમાજને ખાતરી આપતા કહ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસ અને સમાજના પ્રત્યેક વ્યક્તિને ભાજપા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે ભાજપાના દરેક કાર્યકર્તા કટિબદ્ધ છે. ભાજપનો દરેક કાર્યકર તમારા સુખ-દુઃખમાં પડખે ઊભો હતો, સતત પડખે ઊભો છે, અને હંમેશા પડખે રહેશે.

 

આ સંમેલનમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભાજપા અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પ્રદેશ કારોબારીના મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો/હોદેદારો, ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાજપાના હોદ્દેદારો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો ઉપ

સ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!