કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં પહેલા દિવસે છાત્રોને અધિકારીઓ તરફથી કુમકુમ તિલક સાથે ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.પ્રથમ દિવસે ધોરણ 10નું ગુજરાતીનું અને ધોરણ 12 નું ભૌતિક વિજ્ઞાન અને કોમર્સના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા આજે યોજાય હતી. ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા બિલ્ડીંગો ઉપર કુલ 35000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે પૈકી ધોરણ 10ના 22,796 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 9774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3259 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સાથે જ સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે…




