
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના ખેડૂતોને પર્યાવરણ માટે અનુકૂળ કૃષિ તરફ દોરી જવા અને રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ ગ્રામ પંચાયત દીઠ “ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તાલીમ કાર્યક્રમ જિલ્લાના તમામ તાલુકાઓમાં તબક્કાવાર રીતે ચાલી રહ્યા છે. આજરોજ નેત્રંગ તાલુકાના ચિખલી અને કામલીયા ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાચવડના કૃષિ નિષ્ણાંત અને કૃષિ વૈજ્ઞાનિક શ્રી દેવેન્દ્ર મોદી અને હર્ષદ વસાવાએ કામલીયા ક્લસ્ટરના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજી હતી.
આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ તાલીમમાં તાલુકાવાર માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત જેવી જૈવિક દવાઓની બનાવટ અને તેનો ઉપયોગ, પાક માટે અનુકૂળ પદ્ધતિઓ, સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કુદરતી કીટક નિયંત્રણના ઉપાયો, તેમજ પ્રાકૃતિક રીતે પાકની ઉપજ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કૃષિ તાલીમ દરમ્યાન ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓના વધતા ખર્ચમાંથી રાહત મળવા અંગે જાણકારી આપવામાં આવી છે. સાથે સાથે જમીનની ઉત્પાદન શક્તિ જાળવી રાખવા, પાણીના સંરક્ષણમાં પ્રાકૃતિક પદ્ધતિની ભૂમિકા તથા ખેડૂત પરિવારના આરોગ્ય માટે રસાયણ મુક્ત ખેતીની આવશ્યકતા વિષયક માહિતી પણ આપવામાં આવી છે. આ તાલીમમાં ભાગ લેનારા ખેડૂતોને જીવામૃત તથા વિવિધ પ્રાકૃતિક દ્રાવણો તૈયાર કરવાની પ્રેક્ટિકલ કામગીરી પણ કરાવવામાં આવી રહી છે જેથી તેઓ પોતાના ખેતરમાં આ પદ્ધતિ તરત જ અમલમાં મૂકી શકે.
પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત અન્ન અને શાકભાજી આરોગ્યપ્રદ હોવાની સાથે બજારમાં તેની માંગ પણ વધતી જાય છે, તે અંગે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા. સાથે સાથે, ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો થવાને કારણે ખેડૂતોની આવકમાં વધારો થવાનો સંદેશ પણ તાલીમ દ્વારા પ્રસરાવ્યો હતો. જિલ્લાના દરેક તાલુકામાં ખેડૂતો આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને પરંપરાગત ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે.


