
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ : યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કટોકટીની તૈયારી ચકાસવા માટે નાગરિક સંરક્ષણ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બ્લેકઆઉટ મોક ડ્રીલને કારણે નેત્રંગ ગામ સહિત તાલુકાભરમાં ત્રીસ મિનિટ સુધી અંધારામાં છવાયું હતું. નેત્રંગના તાલુકાના તમામ વિસ્તારોમાં મોકડ્રીલ જોવા મળી અને નાગરિક સંરક્ષણ અને અધિકારીઓની અપીલને સમર્થન આપવા માટે તેઓના રહેણાંક મકાનો, દુકાનોની લાઇટો બંધ કરી દીધી.
દેશ સામે જ્યારે જોખમ ઉભું થાય ત્યારે નેત્રંગ તાલુકો પણ ખભેખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ(બ્લેકઆઉટ) દ્વારા આપ્યો હતો. મોક ડ્રીલ પૂર્વે જ નેત્રંગ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, મામલતદાર રીતેશભાઇ કોંકણી, પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન. સિંઘ ની ઉપસ્થિતિમાં મોકડ્રીલના અનુસંધાને કરવાની થતી કામગીરી પર ઉપયોગી માર્ગદર્શન તાલુકાના સરપંચો અને તલાટી કમમંત્રીઓને પૂરું પાડ્યું હતું. જેમાં બ્લેકઆઉટ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ એ વિશે તેમજ સરકારની સૂચનાનું પાલન કરવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
સરકારના નિર્દેશ મુજબ, મોક ડ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન, ક્રેશ બ્લેકઆઉટ પગલાં, હુમલાની સ્થિતિમાં નાગરિકોને પોતાને બચાવવા માટે તાલીમ આપવા અને નાગરિક સંરક્ષણ સ્ટાફ સાથે સંકલનનો સમાવેશ થયો હતો.
સાંજે ૭.૩૦ વાગ્યે, નેત્રંગ તાલુકામા બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં રહેવાસીઓએ અને તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં પણ માર્ગદર્શિકાને ટેકો આપતા ત્રીસ મિનિટ માટે લાઈટો બંધ કરીને અને પોતાના ઘરોમાં રહીને ટેકો
આપ્યો હતો.


