ભરૂચમાં યુવક પિસ્તોલ, કારતૂસ અને દારૂ સાથે ઝડપાયો:વોન્ટેડ બુટલેગર નવાબ દિવાન પાસેથી પિસ્તોલ મેળવ્યાની કબૂલાત
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એ-ડિવિઝન પોલીસની ટીમ દિવાળીને પગલે પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમીના આધારે એક શખ્સને ઝડપીને તેની પાસેમાંથી ગેરકાયદે અગ્નિશસ્ત્ર તથા વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
માહિતી અનુસાર,પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે, કસક વિસ્તારનો આરીફ અહેમદ ચૌહાણ નામનો યુવક સિવિલ હોસ્પિટલ તરફથી પોતાની મોપેડમાં ગેરકાયદે અગ્નિશસ્ત્ર લઇ શક્તિનાથ તરફ જવાનો છે. ટીમે તાત્કાલિક એક્શનમાં આવી મેડિકલ કોલેજ સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરીફ અહેમદ ચૌહાણ ત્યાં પહોંચતાં જ પોલીસે તેને ઝડી પાડ્યો.તેની મોપેડની ડેકી તપાસતાં રૂ. 4,000થી વધુની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.આ બાદ તેની વ્યક્તિગત તલાશી લેતાં, પેન્ટના કમરના ભાગે એક પિસ્તોલ તથા જમણા ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલીમાં 14 જીવતા કારતૂસ મળ્યા હતા.
પોલીસે પુછપરછ કરતાં આરોપીએ જણાવ્યું કે, દોઢ-બે મહિના પહેલાં મારવાડી ટેકરો વિસ્તારમાં રહેતા બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ ઈમરાનશા દિવાન પાસેથી પિસ્તોલ મેળવી હતી. નવાબે તેને કહ્યું હતું કે “હમણાં તારી પાસે રાખજે, અને જ્યારે કહું ત્યારે વેચી દેજે.”
નવાબ ઉર્ફે નબ્બુ ઈમરાનશા દિવાન સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તે હાલ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં આરોપી આરીફ વિરુદ્ધ અંકલેશ્વર અને ભરૂચમાં અલગ-અલગ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ એ-ડિવિઝન પોલીસે આરીફ અહેમદ ચૌહાણ તથા વોન્ટેડ બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ ઈમરાનશા દિવાન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.