MORBI:શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની સજા

MORBI:શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની સજા
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબીમાં શિક્ષિકા સાથે દુષ્કર્મ અને તેના વિડીયો બનાવી ધમકી આપવાના મામલે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય કેશવજીભાઇ સરડવાને સ્થાનિક અદાલતે 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ. 20 હજારનો દંડ તથા આઈટી એક્ટ હેઠળ કુલ રૂ. 5.20 લાખનો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ભોગ બની આવેલ શિક્ષિકાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સરડવાએ 26-01-2017 થી 28-02-2018 દરમ્યાન મિત્રતા વધારી, પરિણીત હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી રાજકોટ સ્થિત પોતાના ફ્લેટ પર લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન આરોપીએ બીભત્સ વિડીયો બનાવી શિક્ષિકાના સગા સંબંધીઓને મોકલી તેના સગાઈ-લગ્ન જીવનમાં ભંગાણ પેદા કર્યું હતું તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમ્યાન સરકારી વકીલ એ.ડી. કારિયાએ રજૂ કરેલા પુરાવા અને દલીલોને આધારે અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.
અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ 376(સી)(2), 376(2)(એન) તથા આઈટી એક્ટની લાગુ કલમો હેઠળ 10 વર્ષની કેદ અને રૂ. 5.20 લાખના કુલ દંડની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનાર શિક્ષિકાને રૂ. 5 લાખ તથા આરોપી દ્વારા ભરવાના દંડમાંથી રૂ. 5.20 લાખ વળતર રૂપે ચુકવવાનો આદેશ કર્યો છે. દંડ રકમ ન ભરવામાં આવે તો પણ ભોગ બનનારને કાયદા મુજબ વળતર મેળવવાનો અધિકાર રહેશે તેવું અદાલતે સ્પષ્ટ કર્યું છે.






