ડાંગ જિલ્લાનાં માલેગામમાં એકલવ્ય મોડેલ સ્કૂલનાં પ્રોટેક્શન વોલનાં બાંધકામને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ….
માલેગામ ખાતે ગ્રામજનોએ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે પ્રોટેક્શન વોલનાં બાંધકામનાં સ્થળે ધસી જઈ હંગામો કરતા આખરે ડાંગ પ્રાયોજના અધિકારીની ટીમે સ્થળ પર દોડી જઈ મામલો થાળે પાડયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
માલેગામ ખાતે ગ્રામજનોએ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે પ્રોટેક્શન વોલનાં બાંધકામનાં સ્થળે ધસી જઈ હંગામો કરતા આખરે ડાંગ પ્રાયોજના અધિકારીની ટીમે સ્થળ પર દોડી જઈ મામલો થાળે પાડયો..
ડાંગ જિલ્લાનાં સાપુતારાનાં તળેટીય વિસ્તારમાં આવેલા માલેગામ ખાતે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.માલેગામની એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ દ્વારા શાળાની સુરક્ષા માટે પ્રોટેક્શન વોલનું બાંધકામ હાથ ધરવામાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓએ આ કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો હતો.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જે જગ્યા પર શાળા દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી રહી છે તે ગામતળની જમીન છે અને વર્ષોથી આ જગ્યાનો ઉપયોગ ગામમાં થતા શુભ પ્રસંગો જેવા કે લગ્ન તથા અશુભ પ્રસંગો અને ધાર્મિક આયોજનો માટે કરવામાં આવતો હતો.તેમના બાપદાદાનાં સમયથી તેઓ આ જગ્યા પર વિવિધ ધાર્મિક વિધિઓ અને સામાજિક કાર્યો કરતા આવ્યા છે.આવી સ્થિતિમાં શાળા દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વગર જ આ જગ્યા પર દિવાલ બનાવવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.અને તેઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.જ્યારે શાળા દ્વારા કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ગામના લોકો એકત્ર થઈ ગયા હતા.અને તેમણે બાંધકામનો સખત વિરોધ નોંધાવ્યો હતો.અહી ગ્રામજનોએ માંગ કરી હતી કે ગામતળની આ જમીન પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવામાં ન આવે અને લોકોની ધાર્મિક લાગણીઓને માન આપવામાં આવહતતેઓનું કહેવું છે કે આ જગ્યા તેમના માટે આસ્થાનું કેન્દ્ર છે અને તેના પર બાંધકામ કરવું યોગ્ય નથી.સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આ બાંધકામ રોકવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરવા માટે પણ તૈયાર છે.આ ગામના લોકો એકજૂથ થઈને પોતાના હક્ક માટે લડવાના મૂડમાં જોવા મળ્યા હતા. જોકે આ બાબતની ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીનાં અધિકારીઓને જાણ થતા તેઓ તત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યા હતા.અને અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા.તેમજ આ જગ્યા છોડીને બાંધકામ કરવામાં આવશે એવી બાંહેધરી પણ અધિકારીઓએ આપી હતી.જે બાદ આ સમગ્ર મામલો શાંત પડ્યો હતો..