BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં ‘એકતા પદયાત્રા’ યોજાશે:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજીત પદયાત્રામાં “એક ભારત –આત્મનિર્ભર ભારત”નો સંદેશ પ્રસરાવાશે

સમીર પટેલ, ભરૂચ

દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં “એકતા પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આશરે 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે. ભરૂચ જિલ્લામાં યોજાનાર આ પદયાત્રા અંગે આજે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પદયાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી કેવડિયા સુધી એક ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં દેશભરના મહાનુભાવો, યુવાનો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ જોડાશે. દેશના તમામ 542 લોકસભા ક્ષેત્રોમાંથી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. પદયાત્રા દરમિયાન”એક ભારત –આત્મનિર્ભર ભારત”નો સંદેશ પ્રસરાવવામાં આવશે. આ સાથે જ, દરેક વિધાનસભા વિસ્તારમાં સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. આ યાત્રા દ્વારા સમાજમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસરી શકશે. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના નાગરિકોને આ એકતા પદયાત્રામાં જોડાઈને રાષ્ટ્રીય એકતા માટે પોતાનું યોગદાન આપવા અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી, પદયાત્રાના જિલ્લા ઈન્ચાર્જ કન્વિનર રશ્મિકાંત પંડ્યા, ભરૂચ પ્રાંત અધિકારી મનિષા મનાણી, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી મિતા ગવલી, રમત- ગમ્મત અધિકારી રાજન ગોહિલ, માય ભારત ભરૂચના ડેપ્યુટી ડાયકેક્ટર પંકજ યાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!