અંકલેશ્વર હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી.આ બાબતે અંકલેશ્વર હાંસોટના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી.ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા, માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ઉપરાંત, કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું અને બળજબરીથી જમીનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે.ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.




