ભરૂચ: બંબુસર ગામના ખેડૂતોનો પાવરગ્રીડ, જેટકોની હાઈટેન્શન લાઈન મુદ્દે વિરોધ, કલેક્ટરને આવેદન



સમીર પટેલ, ભરૂચ
• બંબુસર સહિત જિલ્લાના ખેડૂતોનું કહેવું: નોટિસ વગર કામ શરૂ થયું, એકતરફી ઓર્ડરથી અન્યાય
બંબુસર ગામ સહિત ભરુચ જિલ્લાના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ, જેટકો ની હાઈ-ટેન્શન લાઈનના કામમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે પાવરગ્રીડ દ્વારા ખેતીની જમીનમાંથી હાઈ-ટેન્શન લાઈન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું પાલન થતું નથી. અગાઉથી કોઈ લખિત નોટિસ આપ્યા વગર કામ શરૂ કરી દેવામાં આવે છે.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે કલેક્ટર કચેરીમાં દાખલ થતી અરજી/ફરિયાદોની નકલ અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવતી નથી, જેના કારણે ખેડૂતો પોતાની યોગ્ય રજૂઆત કરી શકતા નથી. અનેક કિસ્સાઓમાં ખેડૂતોને સાંભળ્યા વગર જ એકતરફી ઓર્ડર પાસ થવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સાથેજ બંબુસર ગામના ખેડૂતોની કલેકટર કચેરીએ થયેલ સુનાવણી ની નોટિસ પણ ખેડૂતોને આપવામાં આવી નથી.
આવેદનપત્રમાં કેટલાક કેસમાં ખોટા રિપોર્ટ રજૂ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને વિદેશમાં રહેતા ખેડૂતોના નામે ખોટા અહેવાલ રજૂ થવાના કિસ્સાઓ સામે આવ્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસ સાથે ખેડૂતોના હક્કોનું રક્ષણ થાય, પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.
ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતોને સાંભળ્યા વગર એકતરફી (Ex-parte) હુકમો ન પસાર થાય, વિદેશમાં રહેતા ખેડૂતોના કેસમાં ખોટા રિપોર્ટની તપાસ કરવામાં આવે.




