BHARUCHBHARUCH CITY / TALUKO

અંકલેશ્વર GIDCમાં કેમક્રક્ષ કંપનીમાં ગેસ લીકેજ:સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતાં અફરાતફરી, વાતાવરણમાં પીળું આવરણ છવાયું, કોઈ જાનહાનિ નહીં

સમીર પટેલ, ભરૂચ

 

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વચ્ચે GIDC વિસ્તારમાં આવેલી કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ચિંતાજનક ઘટના સામે આવી છે. કંપનીમાંથી પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન બની હતી. ટેન્કરમાંથી અચાનક પીળાશ પડતો ગેસ લીક થવાનું શરૂ થતાં જ કંપની અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ કંપનીની સેફ્ટી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. સેફ્ટી ટીમના ઝડપી પગલાં અને પ્રયાસોના કારણે પરિસ્થિતિને ગણતરીના સમયમાં જ નિયંત્રણમાં લાવવામાં આવી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં લીક થયેલો ગેસ સોડિયમ નાઇટ્રેટ હોવાનું બહાર આવ્યું છે.
સદ્દભાગ્યે, આ સમગ્ર બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ઘટનાને પગલે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગેસ લીકેજના ચોક્કસ કારણો અને સુરક્ષાના માપદંડોની ચકાસણી માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વધતા પ્રદૂષણ અને આવી ઘટનાઓ સ્થાનિકો માટે એક નવી ચિંતા ઊભી કરી રહી છે.

Back to top button
error: Content is protected !!