‘રાજ્યમાં અનુસૂચિ પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે…’ : ધારાસભ્ય ચૈતર વસાવા

નર્મદા જિલ્લાના નેત્રંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાના સ્થળેથી થોડા જ અંતરે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી દરમિયાન તેમણે ગુજરાતમાં બંધારણની અનુસૂચિ પાંચ લાગુ ન કરવા બદલ સરકારને આડે હાથ લીધી હતી. આ દરમિયાન તેમણે આદિવાસી વિસ્તારોમાંથી ખનીજોની ચોરી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓનું શોષણ થતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મુઘલોથી લઈને અંગ્રેજો સુધી અનેક લોકોએ આપણું શોષણ કર્યું અને અત્યારે પણ સમાજનું શોષણ થઈ રહ્યું છે. બંધારણમાં અનુસૂચિ પાંચ આદિવાસી લોકો માટે બનાવાઈ છે, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી તે લાગુ થઈ નથી.’
આ અંગે વાત કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તામાં બેસેલા લોકો સત્તાનો દુરુપયોગ કરી આદિવાસી વિસ્તારોમાં ખનીજોની ચોરી કરી રહ્યા છે અને તેમની જમીન છીનવી રહ્યા છે.
અન્ય રાજ્યોનો ઉદાહરણ આપીને ગુજરાતમાં અનુસૂચિ 5 લાગુ ન થવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ‘આસામ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલય જેવા રાજ્યોમાં બંધારણની અનુસૂચિ છનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં અનુસૂચિ પાંચ પણ લાગુ કરવામાં આવી નથી.’
સત્તા પર પ્રહાર કરતા ચૈતર વસાવાએ કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં છે, છતાં પણ આજે આદિવાસીઓ શિક્ષણ, નર્મદાના પાણી અને પોતાની જમીન બચાવવા માટે આંદોલનો કરે છે.
આદિવાસીઓની એકતાની તાકાત દર્શાવતા ચૈતર વસાવાએ કહ્યું કે ‘આપણી એકતાના કારણે જ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને દેડિયાપાડાની ગલીઓમાં ફરવું પડે છે. તેણે ચાર વર્ષ પહેલાં ભાજપના સાંસદ દ્વારા બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના અટકાવવાના પ્રયાસોને યાદ કરીને કહ્યું કે ‘આજે વડાપ્રધાનને દેડિયાપાડા આવવું પડે છે, તે આદિવાસીઓની તાકાત છે.’
આ દરમિયાન પ્રજાને હુંકાર કરતા તેમણે કહ્યું કે, ‘હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ કે જેવા નિવેદન કરવા માંગતા નથી, હવે ધરણા, પ્રદર્શનો અને આંદોલનો બંધ… જો અમારો પાંચમી અનુસૂચિમાં સમાવેશ નહીં કરો, તો નેપાળવાળી કરવા માટે અમે ગાંધીનગર આવવાના છીએ.’




