BHARUCHBHARUCH CITY / TALUKO
આમોદ તાલુકા પંચાયતમાં મોડી રાત્રે આગ:રેકોર્ડ રૂમમાં લાગેલી આગથી મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને ખાખ, જંબુસર ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી

સમીર પટેલ, ભરૂચ
આમોદ તાલુકા પંચાયત કચેરીમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સામે આવી છે. રાત્રે લગભગ 3 વાગ્યાના સુમારે કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ સૌ પ્રથમ આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવી, પરંતુ તેઓ આગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ત્યારબાદ જંબુસર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો. પરંતુ ત્યાં સુધીમાં કચેરીમાં રહેલા જૂના અને નવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો આગની લપેટમાં આવી ગયા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી તાલુકા પંચાયતના વહીવટી કામકાજ પર અસર પડવાની શક્યતા છે, કારણ કે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો નષ્ટ થઈ ગયા છે.



