ભરૂચમાં રસોઈયાની તેના જ ઘરમાં લૂંટના ઇરાદે હત્યા કરી ફરાર થયેલ કારીગરની પોલીસે કરી ધરપકડ, આરોપીને લોકોએ ચખાડ્યો મેથીપાક


સમીર પટેલ, ભરૂચ
ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઇરાદે તેના જ ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી….
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં બન્યો હતો બનાવ, ઓગસ્ટ મહિનામાં રસોઈયાની થઈ હતી હત્યા, લૂંટ કરી કારીગરોએ જ હત્યા કરી હતી, મુખ્ય આરોપીની ઉત્તરપ્રદેશથી ધરપકડ, આરોપીને લોકોએ મેથીપાક ચખાડ્યો
ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઇરાદે હત્યાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રિ કન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઇરાદે કરપીણ હત્યા કરવામાં આવી હતી.રસોઈયાની પાસે રહેલ રોકડા અને સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બે કારીગરો ફરાર થઇ ગયા હતાં.આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરીનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ પ્રકાશ માણીને ચામાં ઘેનની ગોળી આપી બેભાન કરી રસી વડે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની ટીમે આજરોજ આરોપી કમલાપ્રસાદને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. દરમ્યાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને માર પણ મારવામાં આવ્યો હતો. આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે.



