
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામે 14 દિવસથી ગુમ મહિલાની લાશ ફાર્મના પાછળના ભાગે પાણી જવાની નિકમાં જમીનમાં પ્લાસ્ટિકની થેલીમાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચ્યો છે.
નેત્રંગના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુમ મહિલાની લાશ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
મોટા જાંબુડા ગામના વતની રસિકભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના 45 વર્ષીય પત્ની હસુમતીબેન 28 ફેબ્રુઆરીએ બપોરે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા, મોડી સાંજ સુધી પરત ફર્યા ન હતા. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
છેલ્લા કેટલાક દિવસથી ચાલતી શોધખોળ દરમિયાન શનિવારે પરિવાર અને ગ્રામજનોને સીમમાં આવેલ ઝવેરી ફાર્મના પાછળના ભાગે આંબા વાડીમાં જમીનમાં કંઈક દાટ્યું હોય તેવું શંકાસ્પદ જણાયું હતું.
નેત્રંગ પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જમીન ખોડતા અંદરથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી મળી હતી. તેને ખોલીને જોતા તેમાં મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પતિ અને પુત્રોએ લાશ પરના કપડાં પરથી તે હસુમતીબેન હોવાની ઓળખ કરી હતી. હસુમતીબેનને ઓઢણી વડે ગળે ટૂંપો દઈને હત્યા કરી પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી જમીનમાં દાટી દીધી હોવાનું હાલ બહાર આવ્યું છે. નેત્રંગ પોલીસે આ મામલે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



