BHARUCH

વાગરા: વહિયાલ ગામે મકાનની દીવાલ ધરાસાય થતા 2 વિજપોલ તૂટી પડતા વીજપુરવઠો ખોરવાયો, વિજકર્મીઓએ કામગીરી હાથધરી

સમીર પટેલ, ભરૂચ

વહિયાલ ગામે એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાસાય થઈ ગઈ હતી. જે નજીકથી પસાર થતી વિજલાઈન ઉપર પડતા બે વિજપોલ પણ તૂટી પડ્યા હતા. જેને કારણે વીજપુરવઠો ખોરવાય ગયો. જોકે વાગરા વીજ કચેરીના વીજ કર્મીઓએ સમારકામ કાર્ય હાથ ધર્યું હતું. બનાવને સદ્દનસીબે કોઈ જાનહાની નોંધાઇ ન હતી. બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા તાલુકાના વહિયાલ ગામના બ્રાહ્મણ ફળીયા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે રોડની અડીને આવેલ એક વર્ષો જૂનું અને જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાસાય થઈ ગઈ હતી. જેને કારણે નજીકમાંથી પસાર થતી વીજ લાઇનના બે વિજપોલ પણ તૂટી પડતા એક સમયે અફરાતફરી મચી ગઇ હતી. વીજપોલ સહિત વીજવાયરો પણ જમીન પર તૂટી પડયા હતા. જેથી પંથકનો વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ઘટના સાંજના સમયે બની હતી, તે સમયે રસ્તા ઉપરથી કોઈ રાહદારી કે વાહન પસાર થતું ન હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વીજપુરવઠો ખોરવાઈ જતા આખી રાત કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. ઘટનાની જાણ કરવામાં આવતા આજરોજ સવારે વાગરા વીજ કચેરીના કર્મીઓએ સમારકામ હાથ ધર્યું હતું. નવા વિજપોલ તેમજ વાયરો નાખવાની કામગીરી આરંભી હતી.

Back to top button
error: Content is protected !!