
નેત્રંગ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા ૧૪૪૦૦ ની કિંમતની ૯૬ બોટલો કબ્જે લીધી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રૂપઘાટ ગામ નજીકથી મોપેડ પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇને જતા એક ઇસમને નેત્રંગ પોલીસે ઝડપી લીધો હતો.નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ પીઆઇ આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે એક એક્ટિવા મોપેડ સ્કુટર પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ થેલો લઇને એક ઇસમ રૂપઘાટ ગામની ચોકડી તરફ આવે છે. પોલીસે મળેલ બાતમીના આધારે બિલાઠાથી ગાલિબા ગામ જતા રસ્તા ઉપર રૂપઘાટ ગામની ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન મળેલ બાતમી મુજબનું મોપેડ સ્કુટર આવતા તેને રોકીને તેના ચાલકને નીચે ઉતારીને તપાસ કરતા સ્કુટરના આગળના ભાગે પગ મુકવાની જગ્યા પર મુકેલ થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૯૬ નંગ બોટલો મળી આવી હતી.પોલીસે મોપેડ સ્કુટર પરથી મળેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૯૬ નંગ બોટલો કિંમત રૂપિયા ૧૪૪૦૦ ની કબ્જે લીધી હતી,અને સ્કુટર પર દારૂનો જથ્થો લઇને જતા સુકાભાઇ હડીયાભાઇ વસાવા રહે.ગામ ઉમરખરડા તા.નેત્રંગ જિ.ભરૂચનાની અટકાયત કરીને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.મકરસંક્રાંતિના પર્વ ટાણે સ્કુટર પર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાતા તાલુકામાં દેશી વિદેશી દારૂ સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો



