ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઝઘડિયાના પત્રકાર પર થયેલ હુમલાના વિરોધમાં પત્રકારોએ આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ-ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોઇ રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઇશ્વરભાઈ પાટણવાડીયાના વિરુધ્ધમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી.આ બાબતની રીશ રાખી રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કરવા રજુઆત કરી હતી.સાથે જ અગાઉના વર્ષ દરમિયાન આ ઇસમ પર ગેરકાયદેસર રેતી ખનન બાબતે કાર્યવાહી થઈ હતી તેમજ અગાઉ મહિલા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ સજા પણ થઈ હતી તેવામાં આ ઇસમ ગુનાહિત પ્રકૃતિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ઘરપકડ કરવા માંગ કરાય છે.




