Rajkot: જસદણ-વિંછીયા પંથકમાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડને મોટરેબલ કરાયા
તા.૨૫/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
જસદણ નગરપાલિકાએ ૩૫ ખાડા બૂર્યા : પેવરબ્લોક, ડામર પેચ વર્ક, મેટલિંગ, જંગલ કટિંગ સહિતની કામગીરી કરાઈ
Rajkot, Jasdan: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદના પરિણામે નુકસાન પામેલા રસ્તા, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામ માટે માર્ગ અને મકાન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગને ચોક્કસ દિશાનિર્દેશો આપીને સત્વરે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જસદણ અને વિંછીયા પંથકમાં પણ ક્ષતિગ્રસ્ત થયેલા રોડને મોટરેબલ કરવામાં આવી રહ્યાં છે.
જસદણ નગરપાલિકાના એન્જીનીયર શ્રી રાજેશભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, નાગરિકો દ્વારા ભારે વરસાદના લીધે રસ્તામાં પડેલા ખાડા, પાણીના ભરાવા સહિત સમસ્યાઓ અંગે ૦૫ ફરિયાદો મળી હતી, જેનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો છે. જસદણ શહેરમાં વરસાદના કારણે અલગ-અલગ રસ્તાઓ પર ૩૫ ખાડા પડી ગયા હતાં. આ તમામ ખાડાને બૂરવામાં આવ્યા છે. તેમજ જુદા-જુદા રોડ મળીને કુલ ૦૧ કિલોમીટર જેટલા રોડને નુકસાન થયું હતું. આ રોડ પર મોરમ, કપચી નાખીને રીસર્ફેસ કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન (રાજ્ય) પેટા વિભાગ, ગોંડલના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એમ. આઇ. જાડેજાએ જણાવ્યું છે કે, જસદણ અને વિંછીયા પંથકમાં આવેલા રાજકોટ – ભાવનગર રોડ (રાજ્ય ધોરીમાર્ગ) પર ૦.૭૫ કિલોમીટર, જસદણ – માધવીપુર – ઘેલા સોમનાથ – મોઢુકા રોડ (મુખ્ય જિલ્લા માર્ગ) પર ૦૧ કિલોમીટર અને વિંછીયા – ભડલી રોડ (મુખ્ય જિલ્લા માર્ગ) પર ૦.૫૦ કિલોમીટર મળીને કુલ ૨.૨૫ કિલોમીટરના રસ્તા પર ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના પગલે નુકસાન થયું હતું. જેનો તાંત્રિક સર્વે કર્યા બાદ આ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પેવરબ્લોક નાખવા, ડામરના પેચ અને પટ્ટા કરવા, મેટલિંગ, સાઈડ શોલ્ડરનું લેવલિંગ અને જંગલ કટિંગ કરવામાં આવતા આ રસ્તાઓ સમથળ બન્યા છે.
માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગ, જસદણના ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જીનીયર શ્રી જે. એન. રાઠોડએ જણાવ્યું છે કે, પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ જસદણ – નાની લાખાવડ – કોઠી રોડ (સેક્શન નાની લાખાવડથી કોઠી રોડ) પર ૦.૬૦ કિલોમીટર, વિરનગર – ખડવાવડી રોડ પર ૦.૦૫ કિલોમીટર, સાણથલી – ઈશ્વરીયા રોડ પર ૦.૦૩ કિલોમીટર અને જસદણ – ખાનપર રોડ પર ૦.૦૮ કિલોમીટર મળીને કુલ ૦.૭૬ કિલોમીટર જેટલા રસ્તાઓ પર ખાડા બૂરવા પેચવર્ક કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના નાગરિકો વોટ્સએપ, હેલ્પલાઈન નંબર, ટોલ ફ્રી નંબર, ગુજ માર્ગ એપ્લિકેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર રોડ, પોટહોલ્સ અને વોટર લોગીંગ જેવી ફરિયાદો નોંધાવી રહ્યાં છે, જેનું સંબંધિત વિભાગ-અધિકારીઓ દ્વારા તાત્કાલિક નિવારણ લાવવામાં આવી રહ્યું છે.