
સરકારશ્રી શિક્ષણ માટે ગેરંટી આપે છે, કે તમે આ કારકિર્દીના ઘડતર માટે એકલા નથી, સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે છે – જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષી
***
કરા તેમજ ગાંધુ ગામની શાળાના તમામ બાળકોનું સિકલસેલ નિર્મૂલન પ્રોગ્રામ અંર્તગત મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યુ
*
ભરૂચ – ગુરુવાર – સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ ૨૮ જૂન સુધી શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ વાલીયા તાલુકાના કરા તથા ગાંધુ અને શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર વાલીયા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર. જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે બાળકોને શાળાપ્રવેશ કરાવાયો હતો.
‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની..’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫નો જિલ્લાભરમાં શુભારંભ થયો છે ત્યારે કરા તથા ગાંધુ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષી અને ગ્રામ અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપીને બાળકોને સ્નેહભેર શાળામાં આવકાર્યા હતા. જ્યારે વાલીયા નવચેતન વિદ્યામંદિર ખાતે ધોરણ ૯ માં અને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકનો સેટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન પૂરતું પોષણ અને સ્ત્રી સશક્તિકરણ માટેની યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, અને શિષ્યવૃત્તિને લગતી જ્ઞાન સાધન શિષ્યવૃત્તિ યોજના, જ્ઞાન સેતુ યોજના વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત. આર. જોષીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે કેટલું વિચારે એનો જીવતો જાગતો દાખલો શાળા પ્રવેશોત્સવ બની રહ્યો છે. પ્રવેશોત્સવ સામાન્ય રીતે રૂટીન પ્રક્રીયા છે પરંતુ સરકાર તેને ઉત્સવના સ્વરૂપ લઈ રહી છે. તેનું કારણ એ છે કે, બાળક જન્મ બાદ શિક્ષણ માટે શાળાનું પ્રથમ પગથયું ચઢે છે ત્યારે સરકારશ્રી આ શિક્ષણ માટે ગેરંટી આપે છે, કે તમે આ કારકિર્દીના ઘડતર માટે એકલા નથી, સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે છે. એટલા જ માટે સમગ્ર રાજ્યના ૧૮ હજાર ગામોમાં મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્ય અને તમામ હોદ્દેદારો સાથે સરકારના અધિકારીઓ પ્રવેશોત્સવ માટે ગામડે ગામડે ફરી રહ્યા છે. સાથે સાથે બાળકો દેશનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે.
વધુમાં તેમણે ઉમેરતા તેમણે કહ્યુ હતું કે, શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરની સમગ્ર વ્યવસ્થાને બિરદાવી હતી. ટ્રાઈબલ વિસ્તારમાં શિક્ષણ આપતી અગ્રણી સંસ્થા વર્ષો બાદ આજે પણ અડીખમ છે. શિક્ષણ રૂપી યજ્ઞમાં સતત આહુતિ આપતાં રહે અને જ્ઞાનરૂપી દીવો સતત પ્રજ્વલિત રહે, તેઓએ અનુરોધ કર્યો હતો. બાળકોએ દેશનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે.
આ પ્રસંગે, વાલીયા તાલુકા શિક્ષણ શાખાની આગેવાનીમાં ઈન્ટાસ ફાઉન્ડેશની સામાજિક સહાય પ્રવૃત્તિ અંતર્ગત વાલિયા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં બાલવાટીકા અને ધોરણ એકમાં પ્રવેશ લેતાં અંદાજિત ૧૭૦૦ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ પૂરી પાડી હતી.
રંગ ચેતન વિદ્યા મંદિર ખાતે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું હતું તેમજ આ પ્રસંગે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે, કરા તેમજ ગાંધુ ગામ ખાતે એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને વિવિધ મુદ્દે માહિતી, માર્ગદર્શન તેમજ સુચના આપી હતી.
કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો .આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કરા તેમજ ગાંધુ ગામની શાળાના તમામ બાળકોનું મેડીકલ ચેકઅપ સાથે સિકલસેલ નિર્મૂલન પ્રોગ્રામ અંર્તગત ચેકઅપ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વાલીયા ગામના સરપંચશ્રી સોમીબેન વસાવા, ગાંધુ ગ્રામપંચાયતના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, લાઈઝન અધિકારી શ્રી, શાળાના આચાર્યશ્રી, ઉપસરપંચશ્રી, અગ્રણીઓ, એસએમસીના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી વેસાલીબેન રાવ, ઈન્ટાસ ફાઉન્ડેશનના સાઈડ હેડ આર.ડી.મહેતા તેમનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.









