ભરૂચની જન શિક્ષણ સંસ્થાન દ્વારા ‘કુનાફા ચોકલેટ મેકિંગ’ વર્કશોપ યોજાયો: મહિલાઓને આત્મનિર્ભર બનવા અપાયું માર્ગદર્શન



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષોથી કૌશલ્ય વર્ધન અને તાલીમ ક્ષેત્રે કાર્યરત જાણીતી એન.જી.ઓ. ‘જન શિક્ષણ સંસ્થાન’ (JSS) દ્વારા તાજેતરમાં બહેનો માટે વિશેષ ચોકલેટ મેકિંગ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ફૂડ બ્લોગર હિનાબેન સૈયદને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતાં, જેમણે સહભાગી બહેનોને આધુનિક પદ્ધતિથી વિવિધ પ્રકારની ચોકલેટ બનાવવાની ઝીણવટભરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમનાં પ્રારંભે સંસ્થાનાં નિયામક ઝયનુલ સૈયદે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, જન શિક્ષણ સંસ્થાન કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમૂહ પૂરતી મર્યાદિત નથી, પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી સમગ્ર જિલ્લાનાં તમામ ધર્મ અને જાતિનાં લોકોને વોકેશનલ સ્કીલની તાલીમ આપી રહી છે. સરકાર માન્ય પદ્ધતિ અને થર્ડ પાર્ટી એસેસમેન્ટ દ્વારા અપાતા આ સર્ટિફિકેશનનો મુખ્ય હેતુ બહેનોને બેકરી અને કન્ફેક્શનરી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી, તેઓને પોતાનો સ્વરોજગાર શરૂ કરવા સક્ષમ બનાવવાનો છે.
આ વર્કશોપમાં શહેરનાં વિવિધ સામાજિક સંગઠનો નાં પ્રતિનિધિઓ અને અગ્રણી મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. જેમાં સંસ્કૃતિ સમાજનાં હેમાબેન પટેલ, સામાજિક કાર્યકર અંજલીબેન ડોગરા, નિલમબેન ઠાકુર, યોગ કો-ઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિ સહિત JSS સાથે જોડાયેલી અનેક મહિલા આગેવાનો ઉપસ્થિત રહી તાલીમાર્થી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
વર્કશોપના અંતિમ તબક્કે જિલ્લા વહીવટી તંત્ર વતી ઇન્ચાર્જ ડી.ઈ.ઓ. (DEO) દિવ્યેશ પરમારે ખાસ હાજરી આપી હતી. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને લોકશાહીનાં પર્વમાં સહભાગી થવા અનુરોધ કરી, ૧૦૦ ટકા મતદાન માટેનાં શપથ લેવડાવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનાં અંતે હેતલબેન પટેલે આમંત્રિત મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.




