ભરૂચ: નબીપુર પંથકના અનેક ગામો આખી રાત રહ્યા વીજ વિનાના, GEB અધિકારીઓની બેદરકારીથી આખી રાત વીજ પુરવઠો ખોરવાયો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ભરૂચ તાલુકાના નબીપુર પંથકના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
GEB ના કર્મચારીઓની બેદરકારીઓના કારણે નબીપુર, બંબુસર, જંગાર, માંચ, સિતપોણ જેવા ગામોને આખી રાત અંધારપટનો સામનો કરવો પડ્યો હતો. બંબુસર ગામના સરપંચ ના જણાવ્યા અનુસાર વખતો વખત મૌખિક રજુવાતો કરવા છતાં પણ ડી.જી.વી.સી.એલ ના અધિકારીઓ-હેલ્પરો પોતાની ફરજ પ્રમાણે કામો કરતા નથી જેને લઈને આખી આખી રાત બંબુસર તથા આજુ બાજુ ના ગામોને અંધારામાં રહેવું પડે છે. ઘટ રાંત્રીના સમયે આવેલ અચાનક વાતાવરણમાં પલટામાં પણ પંથકનો વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે આ વિસ્તારમાં આવેલા વીજ પોલોની હાલત અત્યંત ખરાબ છે, વીજ પોલો નમી ગયેલ હાલતમાં છે તેમજ વીજ લાઈનોની આસપાસ કાંટાદાળ બાવળો અને જાડી ઝાંખરા મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા છે, જેના કારણે વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી મુશ્કેલ બની જાય છે.
ગત રાત્રે પણ બંબુસર ગામના સરપંચ તથા ગામના નવયુવાનો GEB ના હેલ્પરો ની સાથે રહીને નબીપુર, બંબુસર, ઝંગાર સહિત આસપાસના ગામોમાં રાત્રે ૪ વાગે ફરી વાર વીજ પુરવઠો શરૂ કરાવ્યો હતો.
વારંવાર વીજ પુરવઠો ખોરવાવાના કારણે નબીપુર પંથકના સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે વિસ્તારમાં આવેલા જુના અને ખરાબ હાલતમાં આવેલા વીજ પોલોને તાત્કાલિક બદલવામાં આવે અને લાઈનોની આસપાસ સફાઈ કરવામાં આવે.
ગ્રામજનોનું કહેવું છે કે, આવી સમસ્યાઓના કારણે સામાન્ય પવનમાં પણ આખી રાત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેથી આવનારા ચોમાસામાં વધુ મુશ્કેલી ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.



