
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનની ટીમે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પ્રસંશનીય કામગીરી કરતા, કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલી સગીર વયની દીકરીને ગણતરીના સમયમાં શોધી કાઢી તેના પરિવાર સાથે પુનઃમિલાન કરાવ્યું છે.મળતી માહિતી મુજબ, વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારની એક સગીર વયની દીકરી ઘરે કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગઈ હતી. આ અંગેની જાણ પોલીસને થતા જ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.વઘઈ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેતા જાણવા મળ્યું હતું કે ગુમ થયેલી સગીરા તાપી જિલ્લાના કાટકુઈ ગામે છે. હકીકત મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક કાટકુઈ પહોંચી હતી અને સગીરાનો સંપર્ક કર્યો હતો.પોલીસ દ્વારા સગીરાનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે વઘઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી દીકરીને તેના પરિવારને સોંપતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી..




