
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકામાં આવેલ કાકડકુઈ ગામ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે ફાર્મસન ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા તેની CSR અંતર્ગત ‘પ્રોજેક્ટ નવતરંગ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શાળામાં રમતો તથા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી અછત દૂર કરી આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સમાન અવસર પ્રદાન કરવાનો છે.
પ્રોજેક્ટ અંતર્ગત શાળાની ઉપલબ્ધ જગ્યાને આધુનિક રમતગમત અને શૈક્ષણિક અવકાશ તરીકે વિકસાવવામાં આવી છે. જેમાં કે.કે.વિઠાણી ઇન્ડોર સ્પોર્ટ્સ અરિના, કે.કે.વિઠાણી આઉટડોર સ્પોર્ટ્સ અરિના તેમજ સાત ડિજિટલી સક્ષમ વર્ગખંડોનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ સાથે સાથે શૈક્ષણિક ગુણવત્તા, શિસ્ત અને આત્મવિશ્વાસમાં વધારો થવાની અપેક્ષા છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં ડૉ.વંદના પટેલ, ચેરપર્સન – CSR ઇનિશિએટિવ્સફાર્મસન ગ્રુપ, એન.કે.પટેલ, ડિરેક્ટર – કે. કે. વિઠાણી ફાઉન્ડેશન, પાર્થેશ વ્યાસ, કો-સીઈઓ, ફ્લક્રમ કેપિટલાઇઝિંગ સીએસઆર, ધનજીભાઈ, ટ્રસ્ટી – વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિજયસિંહ સુરતિયા, વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ તથા આશાબેન પટેલ, પ્રેસિડેન્ટ – અખિલ ભારતીય શિક્ષણ સમિતિ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. શિક્ષણ અને રમતોના સંકલન દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાની દિશામાં ‘નવતરંગ’ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ અને દ્રષ્ટિવાન CSR પહેલ તરીકે નોંધપાત્ર છે.



