આમોદ: ST તંત્રની બેદરકારી, વિદ્યાર્થીઓ અને મુસાફરોનો આક્રોશ, અનિયમિત બસો સામે વિરોધ, અપૂરતી અને ઓવરલોડ બસોથી પરેશાન


સમીર પટેલ, ભરૂચ
રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ઘોર બેદરકારી અને નબળા વહીવટનો આજે ફરી એકવાર પર્દાફાશ થયો છે. આમોદ ચોકડી ખાતે અપૂરતી અને અનિયમિત બસ સેવાઓથી કંટાળેલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ આજે સવારે આક્રોશ વ્યક્ત કરતા જંબુસર-ભરૂચ રૂટની બસને રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. લગભગ 15 મિનિટ સુધી ચાલેલા આ વિરોધમાં મુસાફરોએ સવારે 8 થી 9 વાગ્યાના સમયગાળામાં નિયમિત બસો દોડાવવાની તાત્કાલિક માંગ કરી હતી.
મુસાફરોનો રોષ વાજબી હતો. એક મુસાફરે વ્યથા ઠાલવતા કહ્યું. હતું, કે જે બસો આવે છે તે પહેલેથી જ હાઉસફુલ હોય છે. અમારે કઈ રીતે મુસાફરી કરવી? પરીક્ષાના દિવસોમાં પણ સમયસર શાળા કે કોલેજ પહોંચી શકતા નથી. પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે. આ બસના ડ્રાઇવરે પણ લાચારી વ્યક્ત કરતા કહ્યું કે મારો શું વાંક? બસ જંબુસરથી જ હાઉસફુલ થઈ જાય છે. આ નિવેદન સ્પષ્ટપણે GSRTCના નિષ્ફળ મેનેજમેન્ટ તરફ આંગળી ચીંધે છે. જે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને અવગણી રહ્યું છે. અગાઉ પણ મુસાફરો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા. છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સ્થાનિકોએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં, GSRTCની ઓવરલોડ અને મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસો આ જ બ્રિજ પરથી પસાર થઈ રહી છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે. GSRTCનું આ વલણ અસંખ્ય લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે.
તાત્કાલિક ધોરણે નિયમિત અને પૂરતી બસો દોડાવવામાં આવે તેવી માંગણી સાથે મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.



