BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ નગર સેવાસદનની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ નગર સેવાસદનની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી.ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરી પોતપોતાની જીતના દાવા કર્યા હતા

ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી.ભાજપ દ્વારા ગતરોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા હતા જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા.કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી ન હતી જો કે ઉમેદવારોને મૌખિક સૂચના અપાતા તેઓએ પણ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતબુદ્દીન શેખને ટિકિટ આપી છે ત્યારે કુતબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમની જીતના દાવો કર્યો હતો તો બીજી તરફ શમશાદ અલી સૈયદે પોતે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેની સાથે હોવાનું નિવેદન આપ્યું હતું.

તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીઓએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.ઉમેદવારીના અંતિમ દિવસે ભીડ અને સંભાવિત ગડબડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આવનારી 26 એપ્રિલની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગી ગયા છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે.

Back to top button
error: Content is protected !!