આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ તેમજ નેહા બ્યાડવાલ (IAS) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



સમીર પટેલ, ભરૂચ
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા એ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને મીલેટ્સ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓના સાહસ, સન્માન અને દ્રઢ ઇચ્છાશક્તિની ઉજવણીનો અવસર છે. ભૂતકાળમાં અનેક સામાજિક બાંધછોડના કારણે મહિલાઓને આગળ વધવાની તક ઓછી મળતી હતી, પરંતુ આજના સમયમાં નારીશક્તિ દેશના સીમાડાઓથી લઈને અવકાશ સુધી પોતાની પ્રતિભા અને શક્તિનો પરિચય આપી રહી છે.
નેહા બ્યાડવાલ (IAS)એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દર વર્ષે 8 માર્ચે ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સમાજના ઉત્થાન માટે પ્રેરિત કરવાનો મહત્વનો દિવસ છે. રાષ્ટ્રના વિકાસમાં આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્રઢ મનોબળ સાથે આગળ વધી રહી છે.
કાર્યક્રમ દરમિયાન મહિલા કલ્યાણ ની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 11 દીકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. ઉપરાંત 5 મહિલાઓ ને વિધવા સહાય અને 2 મહિલાઓ ને પુનઃલગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી.
જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં ભરૂચ સિટી ટ્રાફિક સ્કવોડની મહિલા પોલીસ અધિકારી,વસાવા રશીલા સુનીલભાઈ (સ્વ-સહાય જૂથ અને ગ્રામ પંચાયત નેતૃત્વ માટે) તેમજ પટેલ વૈશાલીબેન મેહુલકુમાર (આર્થિક પ્રવૃત્તિ અને સ્વ-સહાય જૂથમાં શ્રેષ્ઠ કામગીરી માટે)ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રાઈફલ શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને સાયકલિંગ જેવી રમતગમત પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પણ બિરદાવવા માં આવી હતી.કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ આભારવિધિ વ્યક્ત કરી હતી…




