Rajkot: ઉનાળુ પાક તથા ડુંગળીના પાકમાં જીવાત, રોગચાળો નિયંત્રણમાં લેવા કૃષિ સલાહ જારી
તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગરમી વધી રહી છે ત્યારે ઉનાળુ શાકભાજી તથા ડુંગળીના પાકમાં રોગ, જીવાતના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડીયા કેન્દ્ર દ્વારા કૃષિસલાહો જારી કરવામાં આવી છે.
જે મુજબ, હાલમાં ભીંડા, તુરીયા, દુધી, ગલકા, કારેલા, ગુવાર, કાકડી, તરબુચમાં મોલો, થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી શકે છે. જેને નિયંત્રણમાં લેવા લીંબોળીનું તેલ ૪૦ મિ.લિ. અથવા લીંબોળીના મીંજનું પાંચ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મિ.લિ. અને થાયોમેથોક્ઝામ ૨૫ ટકા પાંચ ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા પાંચ મિ.લિ. દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.
જ્યારે ડુંગળીના પાનમાં હાલમાં થ્રીપ્સ, પાનનો સુકારો, જાંબલી ધાબાનો ઉપદ્રવ જોવા મળી શકે છે. થ્રીપ્સના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અને પ્રોફેનોફોસ ૩૦ મિ.લિ. અથવા લેમ્બ્ડા સાયહેલોથ્રીન ૧૫ મિ.લિ. દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. અતિ ઉપદ્રવ હોય તો સ્પીનોસાદ ૪ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. ડુંગળીના પાકમાં જાંબલી ધાબાના રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ અથવા ફોઝેટાઈલ ૨૦ ગ્રામના ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. નાઇટ્રોજનયુક્ત એમોનિયમ સલ્ફેટ ખાતરનો પૂરતો ડોઝ ૩૦ કિલો પ્રતિહેક્ટરમાં આપવા જણાવાયું છે.