BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં સ્પા સંચાલકની હત્યા કરનાર ભાગીદાર-મેનેજર ઝડપાયા: પૈસાની લેવડ-દેવડમાં કારમાં જ દોરી વડે ગળું દબાવી દીધું, પુરાવા નાશ કરવા હાથ-પગ બાંધી લાશને નાળામાં ફેંકી હતી.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં સ્પા સંચાલકના અપહરણ બાદ થયેલી હત્યાના ચકચાર મચાવનાર બનાવમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી સ્પાના ભાગીદાર તથા મેનેજરને ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

માહિતી મુજબ,તા.10 મી ફેબ્રુઆરીના રોજ ઝાડેશ્વર રોડ પર આવેલી “શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા”ના સંચાલક ભેદી સંજોગોમાં ગુમ થયા હતા.બીજા જ દિવસે તેમની લાશ વાગરા તાલુકાના રહાડ ગામથી વચ્છનાદ ગામ તરફ જતાં રોડ ઉપર નાળા નીચે અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી. મૃતદેહ ગળાના ભાગે દોરીનો ટૂંપો આપી હાથ-પગ બાંધેલી હાલતમાં મીણીયા થેલીમાંથી મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો હતો.

મૃતકના ભાઈએ સ્પાના ધંધામાં ભાગીદાર મુન્તજીર પટેલ સાથે છેલ્લા કેટલાક સમયથી હિસાબ બાબતે ઝઘડા ચાલતા હોવાની ફરીયાદ વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ થયો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી એલસીબી પીઆઇ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સ્પાનો મેનેજર મહમંદ સૌયેબ ભાદરકા વતન પ્રભાસપાટણ જતો રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ ગીર સોમનાથ ખાતે મોકલાઈ હતી, જ્યારે ભાગીદાર મુન્તજીર પટેલની શોધખોળ માટે અલગ ટીમ કાર્યરત હતી.

દરમિયાન ખાનગી બાતમીના આધારે મુન્તજીર પટેલ ક્રેટા કાર
સાથે વિલાયત રોડ ઉપર જોવામાં આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસએ તાત્કાલિક તેને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં ટાળટૂળ કર્યા બાદ ઉંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો.તપાસમાં ખુલ્યું કે, બંનેએ પાર્ટનરશીપમાં સ્પાનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ નાણાકીય લેવડ-દેવડ, નુકસાન અને આશરે સાડા નવ લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે સતત ઝઘડા ચાલતા હતા. સ્પા મેનેજરને પણ પગાર લેવાનો બાકી હોઈ બંનેએ મળી હત્યાનો પ્લાન રચ્યો હતો.

પ્લાન મુજબ મૃતકને રૂપિયા આપવાના બહાને બોલાવી કારમાં બેસાડ્યો હતો.મેનેજરને ઓળખ ન પડે તે માટે લેડીસ કપડા તથા બુરખો પહેરાવી પાછળ બેસાડ્યો હતો.કાર ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ ચાલતી કારમાં જ ગળે ફાંસો આપી તેની હત્યા કરી હતી.બાદમાં લાશને મીણીયા થેલીમાં મુકી રહાડ- વચ્છનાદ રોડ પાસે નાળા નીચે ફેંકી દીધી હતી.

બીજી તરફ મેનેજર મહમંદ સૌયેબ ભાદરકાને પણ પોલીસ ટીમે વતન ગામેથી ઝડપી પાડી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી.

બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની લાગુ પડતી કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

આ રીતે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી અને સુનિયોજિત તપાસથી ચકચારભર્યા હત્યા કેસનો ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે.

 

Back to top button
error: Content is protected !!