
નેત્રંગ તાલુકાની 6 ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને નેત્રંગ તાલુકામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા હતા.
જેમાં નેત્રંગ તાલુકાની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી ૨૦૨૫માં (૧) અશનાવી ગ્રામ પંચાયતના સરપંચ અને ૮ વોર્ડના સભ્યો માટે ૯૫.૩૪ ટકા મતદાન થયું, (૨) કોલીવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને ૮ વોર્ડના સભ્યો માટે ૯૦.૭૭ ટકા મતદાન થયું, (૩) સજણવાવ ગ્રામ પંચાયતના સરપંચ અને ૮ વોર્ડના સભ્યો માટે ૯૨.૭૧ ટકા મતદાન થયું, (૪) મોટામાલપોર ગ્રામ પંચાયતના સરપંચ માટે ૮૭.૭૪ ટકા અને ૭ વોર્ડના સભ્યો માટે ૮૭.૩૪ ટકા મતદાન થયું, (૫) ચીખલી ગ્રામ પંચાયતના સરપંચ માટે ૮૯.૦૯ ટકા અને ૭ વોર્ડના સભ્યો માટે ૯૦.૪૫ ટકા મતદાન થયું છે. તેમજ પેટા ચૂંટણી અંતગર્ત યોજાયેલ વાંકોલ ગ્રુપ ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૭ માટે ૯૨.૮૯ ટકા મતદાન થયું છે.
નેત્રંગ તાલુકાની 6 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને નેત્રંગ મામલતદાર રીતેશભાઇ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી. નેત્રંગ પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જે થી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.



