ભરૂચ: પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનારને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
કેસની વિગત મુજબ,આરોપી અલ્તાફહુસેને તેની પરણિત પ્રેમિકા ની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે બાળકીને વેચી દેવાનું કાવતરું પણ રચવામાં આવ્યું હતું.આ ઘટનાથી પીડિત બાળકી પર ગંભીર અસર થઈ હતી.
પીડિત બાળકી લાંબા સમય સુધી ભય હેઠળ જીવતી રહી હતી.
આખરે તેણે હિંમત કરીને આ સમગ્ર ઘટના તેની ફોઈને જણાવી હતી. ત્યારબાદ 24 માર્ચ, 2019ના રોજ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.
આ કેસમાં પીડિત બાળકીની માતાને પણ આરોપી તરીકે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવી હતી. જોકે, ટ્રાયલ દરમિયાન પૂરતા અને ઠોસ પુરાવાના અભાવે કોર્ટે માતાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી મુક્ત કરી હતી.
સરકાર પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પી.બી. પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. પીડિતાની જુબાની, તબીબી અહેવાલો અને અન્ય પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી સામે ગુનો પુરવાર માન્યો હતો.
આખરે, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સગીર બાળકો સામેના અપરાધોમાં કાયદાની ગંભીરતા દર્શાવે છે.




