વાગરામાં પાવર હાઉસમાં ચોરી:કે.પી.ગ્રીન એનર્જીમાંથી 12.72 લાખના કોપર કેબલ્સની ચોરી થતાં પોલીસે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વ્હોરા સમની નજીક આવેલા કે.પી.ગ્રીન એનર્જી લિમિટેડના 210 મેગાવોટ પાવર સબ સ્ટેશનમાંથી મોટી ચોરી સામે આવી છે. અજાણ્યા તસ્કરો કંપનીમાંથી કોપરના કેબલોની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
ઘટનાની વિગતો મુજબ, 9મી ફેબ્રુઆરીના રોજ કંપનીના સાઇટ ઇન્ચાર્જ સંદીપ બાંભણીયાએ ડેપ્યુટી મેનેજર વિવેક પંચાલને જાણ કરી હતી કે, શ્રી નાથજી ઇલેક્ટ્રીકલ પ્રા.લી.ના સુપરવાઇઝર પાર્થ ઘેલાણી સાઇટની મુલાકાત દરમિયાન કેબલ ડ્રમમાં રાખેલા કેબલો અને કેબલ ટ્રેન્ચમાં પાથરેલા કેબલો કપાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરો કેબલ ડ્રમમાંથી કેબલના રોલ પણ ચોરી ગયા છે.
આ ઘટના અંગે કંપનીના ડેપ્યુટી મેનેજર વિવેક પંચાલે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચોરાયેલા કેબલ્સ અને સામાનની કુલ કિંમત રૂપિયા 12,72,884 થવા જાય છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તસ્કરોને પકડવા માટે FSL અને ડોગ સ્કોડની મદદ લેવામાં આવી રહી છે.