રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની


સમીર પટેલ, ભરૂચ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આગામી 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયત 182 બેઠકો તેમજ 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન યોજાનાર છે.જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપી હતી.
જિલ્લામાં તાલુકા પંચાયતોની બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે, જેમાં ભરૂચ તાલુકા પંચાયત સૌથી વધુ 30 બેઠકો ધરાવે છે.જ્યારે જંબુસર અને ઝઘડીયા તાલુકા પંચાયતમાં 22-22 બેઠકો છે. વાગરા તાલુકામાં 18 બેઠકો, હાંસોટમાં 16 બેઠકો, અંકલેશ્વરમાં 26 બેઠકો, આમોદમાં 16 બેઠકો, વાલીયા અને નેત્રંગ તાલુકામાં 16-16 બેઠકો નક્કી કરવામાં આવી છે.
નગરપાલિકાઓ માટે પણ વોર્ડ અને બેઠકોની વિગતો જાહેર કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકામાં 11 વોર્ડ સાથે કુલ 44 બેઠકો રહેશે. અંકલેશ્વર નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 બેઠકો, જંબુસર નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો અને આમોદ નગરપાલિકામાં 6 વોર્ડમાં 24 બેઠકો માટે મતદાન યોજાશે.
જેમાં ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે કુલ 1134 અને ચાર નગરપાલિકાઓ માટે કુલ 219 મળી કુલ જિલ્લામાં 1353 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાનાર છે.જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં 8,67,518 મતદારો નોંધાયા છે જેમાં 4,43,966 પુરુષ જ્યારે 4,23,533 સ્ત્રીનો સમાવેશ થાય છે જ્યારે અન્ય જાતિમાં 19 મતદારો નોંધાયા છે. ચાર નગરપાલિકાઓમા 2,19,004 કુલ મતદારો નોંધાયા છે.જેમાં 1,10,653 પુરુષ,1,08,332 સ્ત્રીઓ અને અન્યમાં 19 મતદારો નોંધાયા છે.
આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત માટે 10 ચૂંટણી અધિકારી અને 18 મદદનીશ અધિકારી, તાલુકા પંચાયત માટે 18 -18 અધિકારીઓ અને નગરપાલિકા માટે 4-4 ચુંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓ રહશે જ્યારે સમગ્ર ચુંટણી માટે 15 નોડલ અધિકારીઓ અને 7 હજારથી વધારે કર્મચારીઓ ફરજ બજાવશે.
ચૂંટણી જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી તેમજ પ્રચારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે.




