BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના માર્ગો બન્યા અકસ્માત ઝોન ! વધુ બે અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઇજા

ઝઘડિયા તાલુકાના માર્ગો બન્યા અકસ્માત ઝોન ! વધુ બે અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઇજા

 

વંઠેવાડ નજીક બાઇક અને મોપેડ ટકરાતા બે ભાઇઓને ઇજા-જીઆઇડીસીમાં ફોર વ્હિલની અડફેટે બાઇક ચાલક ઘવાયો

 

અકસ્માતો માટે માર્ગની બિસ્મારતા જવાબદાર હોવા ઉપરાંત વાહનોના વધેલા ભારણને લઇને ધોરીમાર્ગ છ માર્ગીય બનાવવાની તાતી જરૂર

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મોટાભાગે દરરોજ અકસ્માતની કોઇનેકોઇ ઘટના સામે આવે છે,તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનવા છતાં ઠેરઠેર બિસ્માર બનતા ઘણા વાહનો રોંગ સાઇડે દોડતા અકસ્માત વધી રહ્યા હોવાની બુમો ઉઠવા પામી છે,વળી અંકલેશ્વર ભરૂચ રાજપિપલાને જોડતા ધોરીમાર્ગ પર હાલમાં વાહનોનું ભારણ વધ્યું છે, ત્યારે તેને લઇને ધોરીમાર્ગને ચાર માર્ગીયમાંથી છ માર્ગીય બનાવવાની પણ આવશ્યકતા જણાય છે.તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ ઉપરાંત જીઆઇડીસીના રસ્તાઓ તેમજ અન્ય ગ્રામ્ય માર્ગો પર પણ અકસ્માતો વધી રહ્યા હોઇ તાલુકાનો વિસ્તાર ધીમેધીમે અકસ્માત ઝોન બની રહ્યો હોય એમ લાગે છે. મળતી વિગતો મુજબ વધુ બે અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. અકસ્માતની એક ઘટનામાં ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રહેતા શાહિદ અશરફ મન્સુરી અને અરબાઝ શફિક મન્સુરી નામના બે ભાઇઓ એક્ટિવા મોપેડ પર રાતના નવ વાગ્યાના અરસામાં ઝઘડિયા જીઆઇડીસીમાં જવા નીકળ્યા હતા,આ લોકો ઝઘડિયાથી આગળ વંઠેવાડ નજીકથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી એક મોટરસાયકલ તેમની મોટરસાયકલ સાથે અથડાતા બન્ને નીચે પડી ગયા હતા. અકસ્માતમાં મોપેડ સવાર બન્ને ભાઇઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા. અકસ્માતની ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે મોપેડ સાથે મોટરસાયકલ અથાડી અકસ્માત કરનાર મોટરસાયકલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અકસ્માતની બીજી ઘટનામાં ભરૂચના નંદેલાવ ખાતે રહેતો મયંકભાઇ ચંદ્રકાન્ત મીઠાઇવાલા એક કંપનીમાં નોકરી કરે છે. તા.૨ જીના રોજ મયંક ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં સ્વીચ ઇન્સ્ટોલેશનના કામ માટે ગયો હતો. ત્યાંથી કામ પતાવીને તે સાંજના સવા પાંચ વાગ્યાના અરસામાં કેતન શર્મા નામના યુવકની બાઇક લઇને કેતન સાથે બન્ને પાછા ફરતા હતા ત્યારે થોડે દુર જતા રસ્તામાં રોંગ સાઇડે આવતી એક ફોર વ્હિલ ગાડીના ચાલકે તેમની મોટરસાયકલને ટક્કર મારતા બાઇક સવાર બન્ને ઇસમો નીચે પડી ગયા હતા.આ અકસ્માતમાં મયંક મિઠાઈવાલાને ગંભીર ઇજાઓ થઇ હતી,જ્યારે તેની સાથેના કેતન શર્માને કોઇ ઇજા થઇ નહતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ મયંક મિઠાઈવાલાને સારવાર માટે પ્રથમ અંકલેશ્વર અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. અકસ્માત સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં અકસ્માત સર્જી પોતાનું વાહન લઇ નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ નંધાવવામાં આવી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!