નબીપુર રેલ્વે ફાટક નં. ૧૮૭ પર ઓવરબ્રિજની કામગીરી અન્વયે ભારે વાહનો માટે રૂટ ડાયવર્ઝન જાહેર કરાયું

સમીર પટેલ, ભરૂચ
*****
ભરૂચ – સોમવાર – નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિ. દ્વારા નબીપુર લેવલ ક્રોસિંગ નં. ૧૮૭ (KM 338/0-2) ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કાર્યરત છે. જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પાર્થ જયસ્વાલ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ માર્ગ પર મોટા ભારવાહક વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ હુકમ મુજબ નબીપુર રેલ્વે ફાટક થઈને જતો ભારે વાહનોનો વ્યવહાર બંધ કરી નબીપુર ને.હા.નં. ૪૮ થી દયાદરા-જંબુસર તરફ જતા વાહનો નબીપુર ને.હા.નં. ૪૮ થી અતિથિ રિસોર્ટ થઈ ચાવજ ગરનાળુ (નં. ૧૮૨) થઈ હિંગલ્લા ચોકડીથી દયાદરા-જંબુસર તરફ જઈ શકશે. જંબુસર તરફથી આવતા ભારે વાહનો દયાદરાથી હિંગલ્લા ચોકડી થઈ ચાવજ ગરનાળુ (નં. ૧૮૨) થઈ નેશનલ હાઈવે નં. ૪૮ તરફ જઈ શકશે.અને અન્ય રૂટમાં ભારે વાહનો કરજણથી સરભાણ થઈને પણ જંબુસર તરફ જઈ શકશે. આ વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે.
આ માર્ગ પરથી પસાર થતા નાના વાહનો જેવા કે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરને હાલના રસ્તા પરથી અવર-જવર કરવા માટે મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામું હુકમની તારીખથી એક વર્ષ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.ઉપરોક્ત તમામ વિગતો ઇ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પાર્થ જયસ્વાલ દ્વારા પ્રસિધ્ધ કરેલ એક જાહેરનામાં જણાવેલ છે.




